અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે 25મા કારગીલ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે AVMA ના NCC કેડેટ્સે ગ્રેડ 4 થી 12 ના વિદ્યાર્થીઓ સાથે કારગીલ વિજય દિવસ મનાવ્યો હતો. આ પ્રસંગે અતિથી વિશેષ મેજર પ્રતીક ચમોલીનું શાળાના બેન્ડ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કારગિલ યુદ્ધમાં આપણા સૈનિકોના શૌર્ય, બહાદુરી અને બલિદાનની યાદમાં આ વિશેષ ઉજવણી કરવામાં આવે છે.
વિજય દિન તરીકે ઓળખાતા કારગીલ વિજય દિવસની ઉજવણી પ્રસંગે મેજર ચમોલીના પ્રેરણાદાયી પ્રવચને આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનોની યાદ તાજી કરાવી. તેમનું સંબોધન એ દેશના રિયલ હીરોઝ એવા સૈનિકોને શ્રદ્ધાંજલિ હતી, જેઓ રાષ્ટ્રની સુરક્ષા અને સાર્વભૌમત્વ કાજે દુશ્મન સામે અપ્રતિમ હિંમત અને નિશ્ચય સાથે લડ્યા હતા.
આ પ્રસંગે 28 NCC કેડેટ્સને ગ્રેડ A સ્કોર કરવા બદલ મેજર પ્રતીક ચમોલી દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે 6 કેડેટ્સને રેન્ક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
કારગીલ યુદ્ધ દરમિયાન સર્જાયેલા દેશભક્તિના કરૂણ અને ગૌરવપૂર્ણ સ્મરણથી સૌનું હૃદય ભીંજાયુ હતું. હૃદયસ્પર્શી ભાષણો અને દેશદાજના ગીતો દ્વારા શહીદોને અપાયેલી શ્રદ્ધાંજલિથી વાતાવરણ ગર્વ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું હતું.
જ્યારે આપણે આ ઐતિહાસિક જીતના 25 વર્ષ પર નજર કરીએ છીએ, ત્યારે દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર આપણા સૈનિકોના બલિદાન અને અતૂટ ભાવનાની યાદ આવે છે. ચાલો આપણે પણ આપણી સેનાના એ અમૂલ્ય બલિદાનને માન આપી વારસાનું સન્માન કરીએ.