સુરત : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીની આઉટ સ્ટેશન કેટેગરીમાં સુરતના ઉદ્યોગપતિ આશિષ ગુજરાતી બિનહરીફ ચૂંટાયા છે. ચેમ્બર ઓફ કોમર્સ એ મહાજનોની સંસ્થા કહેવાય છે, સુરત ચેમ્મ્બર ઓફ કોમર્સની જેમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં પણ ચૂંટણી યોજવા માટે જઈ રહી હતી. જેમાં એક્ઝિક્યુટીવ કમિટીની આઉટ સ્ટેશન બિઝનેસ કમિટી કેટેગરીમાં 1 સીટ ખાલી પડી હતી. આ 1 સીટ માટે કલોક જીઆઈડીસીના પ્રમુખ સુભાષ ગઢવી અને સુરતની પાંડેસરા વિવર્સ કો.ઓપરેટીવ સોસાયટીની પ્રમુખ આશિષ ગુજરાતી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતાં.
28મી જૂનના રોજ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. છેલ્લાં દિવસે સુભાષ ગઢવી દ્વારા ફોર્મ પર ખેંચી લેવામાં આવ્યું હતું. જેથી પાંડેસરા વિવિંગ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતી બીનહરીફ ચૂંટાયા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત ચેમ્બરની ચૂંટણીમાં લોકલ જનરલ કેટેગરીમાં 8 સીટો સામે 10 ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતાં. જનરલ કેટેગરીમાં 4 સીટની સામે 5 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતાં. વાઈસ પ્રેસિડેન્ટની જગ્યા માટે 2 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતાં.
આશિષ ગુજરાતીએ કહ્યું હતું કે, સુરત ચેમ્બરની જેમ અમદવાદ ખાતેનું ગુજરાત ચેમ્બર પણ ખુબ કાર્યરત છે. ત્યારે સુરત ચેમ્બર અને ગુજરાત ચેમ્બર સાથે મળીને વેપારને લગતી સમસ્યાઓનું સમાધાન કરી શકે તે દિશામાં કાર્ય કરવામાં આવશે. આ ઉપરાંત સુરત ચેમ્બર અને ગુજરાત ચેમ્બરના સંબંધો મજબૂત થાય તે દિશામાં કાર્ય કરવામાં આવશે. બંને સંસ્થાના સંબંધો વધુ ગાઢ બનશે.