
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા.૨૯ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે દક્ષિણ ગુજરાતના MSME ઉદ્યોગના અગ્રણી ટેક્ષ્ટાઈલ એસોસિએશનો સાથે નાણાકીય બિલ-૨૦૨૩માં ઉમેરાયેલ ઈન્કમટેક્સ Section-43 B (h) અંગેના પ્રશ્નોને જાણવા અને તેનું નિરાકરણ લાવવા સૌ સાથે મળીને રજૂઆત કરવા સંદર્ભે મિટીંગ યોજાઈ હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટફોર્મ પર ટેક્ષ્ટાઈલના જુદા-જુદા એસોસિએશનો મળીને આવકવેરા કાયદા અંગે ચર્ચા કરી હતી. ભારત સરકારે લઘુ ઉદ્યોગોને વધુ મજબૂત બનાવવા હેતુ MSMED Act 2006 માલની સ્વીકૃતિ તારીખથી સપ્લાયરને ૪૫ દિવસમાં પેમેન્ટ ચૂકવવાની જોગવાઈ કરી છે. તેમ છતાં સપ્લાયરને કેટલીક વખત નિયત સમય મર્યાદામાં પેમેન્ટ મળતું ન હોવાથી આ સમસ્યાનો ઉકેલ લાવવા હેતુ આવકવેરા અધિનિયમની કલમ 43B માં નવી કલમ (h)નો ઉમેરો કરવામાં આવ્યો છે અને તે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪થી અમલી કરવામાં આવી છે, ત્યારે આ કલમ સંદર્ભે ઉદ્યોગ સાહસિકોને નડતા પ્રશ્નો અને સમસ્યા ઉદભવી રહી છે તે અંગે ચર્ચા કરી હતી.
ફોગવા, ફોસ્ટા, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસિએશન, સાઉથ ગુજરાત ટેક્સ્ચુરાઈઝર્સ એસોસિએશન, સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન અને C.A. એસોસિએશનના આગેવાનો મિટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના મંતવ્યો અને સૂચનો ચેમ્બર પ્રમુખ સમક્ષ રજૂ કર્યા હતા. તમામ ચર્ચા અને સૂચનોને ધ્યાને લેતાં દક્ષિણ ગુજરાતના અગ્રણી ટેક્ષ્ટાઈલ એસોસિએશન દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી થકી નાણામંત્રી નિર્મલા સીતારમણને લેખિતમાં Section-43 B (h)ના અમલીકરણને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવે તેવી રજૂઆત કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.