અમદાવાદ/ગુજરાત : લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આજે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાતના પ્રદેશ પ્રભારી ડૉ. સંદીપ પાઠક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ જ્વેલબેન વસરા, પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડૉ. રમેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણભાઈ રામ, યુવા નેતા સામંત ગઢવી, સેજલબેન વ્યાસ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ પર ડૉ. સંદીપ પાઠકે મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા અને પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, આજે ગુજરાત સંગઠનની એક રિવ્યુ બેઠકમાં હાજરી આપવા માટે હું અમદાવાદ આવ્યો છું. અહીંયા લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ચર્ચા કરવામાં આવશે. આપણે જોયું છે કે ભાજપ જ્યાં પણ હારી જાય છે ત્યાં તે ધાક ધમકી અને જીતેલા ઉમેદવારોને ખરીદવાનું કામ કરે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 40 લાખથી વધુ મતદાતાઓએ આમ આદમી પાર્ટીને પોતાનું મત આપ્યો છે, તે વાત ભાજપ હજુ સુધી પચાવી શકી નથી. એટલા માટે તેઓ આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે.
ત્યારબાદ ડૉ. સંદીપ પાઠકે પ્રદેશ કાર્યાલય પહોંચતાની સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની તથા તેમના પરિજનોની મુલાકાત લીધી અને પરિવારના હાલ ચાલ પૂછ્યા અને આશ્વાસન આપ્યું. ત્યારબાદ ડૉ. સંદીપ પાઠકે ચૈતરભાઇના પરિવારની સાથે આવનારા દિવસોમાં કઈ રણનીતિ સાથે આગળ વધવું તેના વિશે પણ ચર્ચા કરી.
ત્યારબાદ ડૉ. સંદીપ પાઠકે પ્રદેશના શીર્ષ નેતાઓ, ધારાસભ્યો અને મહત્વપૂર્ણ હોદ્દેદારો સાથે સંગઠનને લઈને સમીક્ષા બેઠક કરી. આ સમીક્ષા બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સાથે સાથે આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ગંભીર ચર્ચા કરવામાં આવી. લોકસભાની ચૂંટણીમાં કઈ સીટો પર ચૂંટણી લડવામાં આવશે તે ઇન્ડિયા એલાઈન્સની કમિટી નક્કી કરશે, પરંતુ આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં એક મજબૂત સંગઠન બનાવીને એટલી મજબૂત તૈયારી કરી દીધી છે કે, જે પણ સીટ હશે ત્યાં ભાજપને મજબૂત ટક્કર આપવામાં આવશે અને તેને હરાવવામાં આવશે.
પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ડોક્ટર સંદીપ પાઠકે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આગામી 7 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રીભગવંત માનજી ગુજરાતની મુલાકાત લેશે. ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભા ખાતે એક જનસભામાં ભાગ લેવા આમ આદમી પાર્ટીના બંને નેતા આવશે. ડેડીયાપાડામાં કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આજે આપણે સમગ્ર દેશમાં જોઈ શકીએ છીએ કે જે પણ વ્યક્તિ ભાજપની વિરુદ્ધ બોલે છે તેનો અવાજ ભાજપ દબાવી દે છે અને આ પરિસ્થિતિ સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. એનું એક ઉદાહરણ છે કે લોકપ્રિય આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવ્યા છે, કારણ કે ભાજપને ચૈતરભાઈ વસાવાથી ખતરો મહેસુસ થઈ રહ્યો છે. ભાજપ પોતાના વિરોધીઓને ખરીદવા માંગે છે અને જો ખરીદી નથી શકતા તો ષડયંત્ર રચીને તેમને હટાવવાની કોશિશ કરે છે.
ગુજરાતની જનતાએ ભાજપને ફરીથી સત્તા સોંપી પરંતુ ગુજરાતની સમસ્યા હજુ જેમની તેમ જ છે. આજે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી રહ્યું છે. જો બેરોજગાર યુવાનોના વિસ્તારમાં ડ્રગ્સ વેચાતું હશે તો તે યુવાનો ડ્રગ્સની ચપેટમાં આવી જશે. ગુજરાતની જનતાએ ગુજરાતની સમસ્યાઓને લઈને છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફ વોટિંગ કર્યું હતું અને આમ આદમી પાર્ટી ગુજરાતની સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે.
અમે જોયું છે કે ચૈતરભાઈ વસાવા ખૂબ જ લોકપ્રિય નેતા છે, તો અમે ખાતરીપૂર્વક કહી શકીશું કે જો ગુજરાતમાં ભાજપ કોઈ પહેલી સીટ હારશે તો તે ચૈતર વસાવા સામેની સીટ હશે. આમ આદમી પાર્ટી દેશની સૌથી ઝડપથી વિકસી રહેલી પાર્ટી છે અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પણ 40 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો. તેનાથી આપણે સમજી શકીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂત સંગઠન બનાવી ચૂકી છે.
જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ ચૂંટણી જીતી હતી, ત્યારથી જ ભાજપ પોતાના તમામ કામ બાજુમાં મૂકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવા માટે મહેનત કરી રહી છે અને આ વાત સમગ્ર ગુજરાતના લોકો જાણે છે. વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યા હતા અને ત્યાં ચૂંટણી થશે ત્યારે ફરીથી આમ આદમી પાર્ટીને જીત મળશે. ધારાસભ્યોને તોડવાના કામના કારણે ભવિષ્યમાં લોકો ભાજપને યાદ રાખશે, કારણ કે આપણે જોયું છે કે ભાજપ બીજા ધારાસભ્યોને પરેશાન કરીને, ખરીદીને દેશને ખતમ કરવાનો પ્રયાસ કરતી હોય છે.
લોકસભાની ચૂંટણી માટે ઇન્ડિયા એલાઈન્સ સાથે મળીને નિર્ણય લેશે. પરંતુ અમે ખાતરીપૂર્વક કહીશું કે આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતીથી ચૂંટણી લડશે અને સારા નિર્ણય આવશે. આજે હું લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈપણ સીટ વિશે માહિતી ન આપી શકું કારણ કે આવી કોઈ બાબતો ઉપર કોઈ નિર્ણય આવ્યો નથી. ઇન્ડિયા એલાઈન્સની કમિટી જે નિર્ણય લેશે તે નિર્ણય આપને જણાવવામાં આવશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ધારાસભ્ય હેમંત ખવા પણ ઉપસ્થિત હતા.