સુરતઃ ૨૬મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની રાજયભરમાં તા.૧૨ થી ૨૬ જૂન દરમિયાન નશામુક્ત ભારત પખવાડીયાની તરીકે કરવામાં આવી રહી છે, ત્યારે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના પ્રેરક માર્ગદર્શન હેઠળ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ
અધિકારી વિકાસ સહાય, અધિક પોલીસ મહાનિદેશક પિયુષ પટેલ અને પોલીસ અધિક્ષક હિતેશ જોયસર દ્વારા શિક્ષણાધિકારીની કચેરી સાથે મળીને નશામુક્ત ભારત પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે તા.૧૨ થી ૨૬ જૂન સુધી #iStandStrong Against Drugs
Campaign ચલાવી સુરત જિલ્લા ગ્રામ્યની તમામ શાળાઓમાં વિવિધ સ્પર્ઘાઓ યોજાઈ રહી છે.
આ અભિયાન અંતર્ગત પ્રાથમિક કક્ષાએ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને પ્રેરીત કરવા વિવિધ સ્પર્ધાઓ જેવી કે, ૧ મિનિટ વિડીયો, ચિત્રો-પોસ્ટર ચિત્રાંકન સ્પર્ધા, કવિતા લેખન, રંગોળી અને માઇમ સ્પર્ધાઓ યોજાઇ હતી. ત્યારબાદ શાળા કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ વચ્ચે તા.૧૩ થી ૨૪ જુન સુધી સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં પ્રાથમિક કક્ષાએ કુલ ૫,૯૨૧ વિદ્યાર્થીઓએ અને ૬૭૮ શિક્ષકોએ ભાગ લીધો હતો.
માધ્યમિક કક્ષાએ ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને પ્રેરીત કરવા માટે પણ વિવિધ સ્પર્ધાઓ દ્વારા #IStandStrong Against Drugs “Yuva Ambessador” પ્રતિયોગિતા યોજાઇ હતી. જેમાં માધ્યમિક કક્ષાએ ૨,૦૨૧ વિદ્યાર્થીઓ અને ૨૮૧ શિક્ષકોએ ભાગ લીધો હતો.
તાલુકા કક્ષાએ વિજેતા બનેલ સ્પર્ધકો વચ્ચે જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૨૪ જુનના રોજ માલિબા યુનિવર્સિટી કેમ્પસ, મહુવા ખાતે યોજાશે. જેમાં સ્પર્ધાઓ સાથે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ધો.૦૯ થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વચ્ચે એક રેપીડ ફાયર
ક્વિઝ યોજાશે. જેમાં સૌથી ઓછા સમયમાં ક્વિઝના જવાબો આપી વિજેતા બનનાર બે વિદ્યાર્થીઓને જિલ્લા પોલીસ દ્વારા #iStandStrongAgainstDrugs “Yuva Ambessador -2023"નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક કક્ષાની શાળા કક્ષાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ
વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામી રાશી આપવામાં આવશે.
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા તા.૨૬ જુનના રોજ તરસાડિયા ઓડિટોરિયમ, ઉકા તરસાડિયા યુનિવર્સિટી, માલિબા કેમ્પસ, મહુવા ખાતે જિલ્લા કક્ષાના વિજેતાઓને ઇનામ વિતરણ અને ડ્રગ્સના દુષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવશે. સમગ્ર
કાર્યક્રમનું સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના યુ-ટ્યુબ આઇ.ડી Surat Rural Police, ફેસબુક આઇ.ડી @spsuratrural, ઇન્સ્ટાગ્રામ આઇ.ડી @spsuratrural પર જીવંત પ્રસારણ (લાઇવ) કરવામાં આવશે.
“નશામુક્ત ભારત” બનાવવા #IStandStrong Against Drugs કેમ્પેઇન હેઠળ RJ VEERની ટીમ દ્વારા જાગૃતિ કેળવાય તે હેતુથી એક-બે મિનિટની વિડીયો ફિલ્મનું પણ શુટીંગ કરવામાં આવ્યું છે, જે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના સોશીયલ મિડીયા પ્લેટફોર્મ પરથી પ્રસારીત કરવામાં આવશે. આ કાર્યક્રમને વિવિધ સોશીયલ મિડીયાના માધ્યમથી ઓનલાઇન સુરત ગ્રામ્ય જિલ્લાના આશરે ૭૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા અન્ય સામાજિક આગેવાનો અને મહાનુભાવો પણ નિહાળશે. આમ, સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં નાર્કોટીક્સ પદાર્થો અંગે જાગૃતતા કેળવાય અને યુવાધન નશાખોરીથી પોતે જ દુર રહે પરંતુ પોતાના પરીવારને પણ જાગૃત કરી ખરા અર્થમાં #IStandStrong Against Drugs કેમ્પેઇન દ્વારા “નશામુક્ત ભારત”નું નિર્માણ કરવા સહયોગી બનશે.