સુરત: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના ખોસાડિયા અને તેના ગામોમાં એલ. એન્ડ ટી. કંપનીના સી.એસ.આર ફંડમાંથી રૂ.૯૦ લાખના ખર્ચે નવનિર્મિત થયેલી અંડર ગ્રાઉન્ડ વોટર સંપનુ લોકોર્પણ કરાયું હતું. જેમાં ખોસાડિયા ગામે રૂ.૩૦ લાખના ખર્ચે ૨ લાખ લીટર અને તેના ગામે રૂ.૬૦ લાખના ખર્ચે ૪ લાખ લીટરની અંડર ગ્રાઉન્ડ વોટર સંપનું નિર્માણ કરાયું છે. વોટર સંપના નિર્માણથી ખોસાડિયા ગામે ૧૧૪૫ અને તેના ગામે ૧૦૭૫ ગ્રામજનોને પીવાના પાણીનો લાભ મળશે.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઈએ જણાવ્યું હતુ કે, મોટા ઉદ્યોગોના આસપાસના ગામોની માળખાગત સુવિધાઓમાં વધારો થાય છે. જેનાથી રોજગારીના નિર્માણની સાથે ગ્રામજનોનું જીવનધોરણ ઊંચુ આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વોટર સંપના નિર્માણથી ગામ લોકોની પાણીની સમસ્યાઓ ઉકેલાતા તેમનું જીવન સુખમય બનશે. વધુમાં મંત્રીએ આવનારા સમયમાં ખારા પાણીને મીઠું બનાવતો પ્લાન્ટ સ્થાપવાની તેમજ અન્ય વિકાસના કાર્યો થકી કાંઠાના ગામોની સુવિધાઓ વિકસાવવા અંગેની વિગતો આપી હતી.
આ અવસરે L&T કંપનીના વી.પી. સંજય દેસાઇએ ગ્રામવાસીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, સંપનું નિર્માણ થવાથી બન્ને ગામોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે. પાણી રૂપી પારસમણીનો વિવેકપુર્ણ ઉપયોગ કરવા જણાવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઇ, L&T કંપનીના વી.પી.આર.એમ. હાસિમ, જી.એમ. ડૉ. જયંતભાઈ પટેલ, જી.એમ. અવિનાશ જૈન, કંપનીના સી.એસ.આર વિભાગના ડે.મેનેજર શ્રીમતી અલ્પાબેન પટેલ સહિત કંપનીના અન્ય અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.