સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે Drafting of Reply to SCN, Appeals and How to Deal with Other Documents વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે લક્ષ્મીકુમારન એન્ડ શ્રીધરનના પાર્ટનર જીગર શાહ દ્વારા જીએસટી કાયદા અને નિયમો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વકતા જીગર શાહે જણાવ્યું હતું કે, શો કોઝ નોટિસની સમય મર્યાદા કેટલી છે ? તથા કઇ ઓથોરિટીએ નોટિસ મોકલી છે ? તેનો વ્યવસ્થિત અભ્યાસ કરવો જોઇએ. નોટિસમાં કરાયેલા આક્ષેપોમાં કયા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે તે સારી રીતે જાણી અને સમજ્યા બાદ તેનો જવાબ આપવો જોઇએ. શો કોઝ નોટિસમાં જે સ્ટેટમેન્ટ ડોકયુમેન્ટ્સનો આધાર તરીકે ઉપયોગ કરાયો હોય તે ડોકયુમેન્ટ્સ સંબંધિત વિભાગ પાસેથી મેળવવા જોઇએ.
અપીલ કેવી રીતે ડ્રાફટ કરવી જોઇએ તેની સમજણ આપી મુદ્દાસર અપીલ કરવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે અપીલ કયાં ફાઇલ થાય ? અને પ્રિડિપોઝીટ કેટલી હોય ? તે જાણીને કયા સ્ટેજમાં કઇ ઓથોરિટી પાસે અપીલ ફાઇલ કરવી તેની વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહયું હતું કે, અપીલમાં કોઇ મહત્વના મુદ્દાઓ રહી ગયા હોય તો અપીલ સ્ટેજમાં તેનો સમાવેશ કરી શકાય છે. તેમણે મુંબઇ અને દિલ્હીના કેસોમાં આપવામાં આવેલા ચૂકાદાઓનો આધાર આપી સમજણ આપી હતી.
ઉપરોકત વેબિનારના આયોજન માટે ચેમ્બરની જીએસટી અને ઇન્કમ ટેક્ષ કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તદુપરાંત વેબિનારના આયોજન માટે ચેમ્બર ઓફ કોમર્સને ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ્સ, ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેક્ષ બાર એસોસીએશન, ઇન્કમ ટેક્ષ બાર એસોસીએશન, ધી સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્ષ બાર એસોસીએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસીએશન– સુરત, સોસાયટી ફોર ટેક્ષ એનાલિસિસ એન્ડ રિસર્ચ અને વલસાડ ડિસ્ટ્રીકટ જીએસટી પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપીનો સહકાર પ્રાપ્ત થયો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયાએ વેબિનારમાં જોડાયેલા તમામનો આભાર માન્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમેન સીએ હાર્દિક શાહ વેબિનારમાં જોડાયા હતા. ચેમ્બરની જીએસટી કમિટીના ચેરમેન સીએ મુકુંદ ચૌહાણે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની ઇન્કમ ટેક્ષ કમિટીના કો–ચેરમેન એડવોકેટ દિપેશ શાકવાલાએ વેબિનારનું તથા સવાલ – જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. જ્યારે ઇન્કમ ટેક્ષ કમિટીના કો–ચેરમેન એડવોકેટ અનિલ શાહે વકતાનો પરિચય આપ્યો હતો. વકતાએ જીએસટી કાયદા સંબંધિત વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ વેબિનારનું સમાપન થયું હતું.