બિઝનેસસુરત

સુરક્ષિત ડિજીટલ બેન્કીંગ માટે પાસવર્ડ બદલતા રહો, જુદા મોબાઇલનો ઉપયોગ કરો અને બેલેન્સ ઓછું રાખો : નિષ્ણાંત

અવેરનેસ સેશનમાં વકતા ડો. ચિંતન પાઠકે સુરક્ષિત ડિજીટલ બેન્કીંગ માટે ઉદ્યોગકારો તથા લોકોને મહત્વનું માર્ગદર્શન આપ્યું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘સાયબર સિકયુરિટી અવેરનેસઃ સુરક્ષિત ડિજીટલ બેન્કીંગ માટે એક કલાક આપો’વિષય ઉપર અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે ટેકલોયર તેમજ સાયબર લો એન્ડ સિકયુરિટી કન્સલ્ટન્ટ ડો. ચિંતન પાઠક દ્વારા સુરક્ષિત ડિજીટલ બેન્કીંગ માટે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ ? તેના વિષે માર્ગદર્શન આપ્યું હતું.

ડો. ચિંતન પાઠકે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ૪.૬૬ બિલિયન લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે અને એમાંથી પ૬ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. એટલે કે વિશ્વની કુલ વસતિના અડધા લોકો ઇન્ટરનેટ વાપરે છે. ડિજીટલ બેન્કીંગ માટે કુલ નવ પ્રકારની બેંકો કાર્યરત છે. જેમાં ગવર્નમેન્ટ બેંક, કો–ઓપરેટીવ બેંક, કોમર્શિયલ બેંક, પબ્લીક બેંક, પ્રાઇવેટ બેંક, ફોરેન બેંક, રિજનલ બેંક, લોકલ બેંક, સ્પેશ્યલાઇઝ બેંક, સ્મોલ ફાયનાન્સ બેંક તથા ઓનલાઇન પેમેન્ટ બેંકનો સમાવેશ થાય છે.

ડિજીટલ બેન્કીંગમાં ફાયનાન્સિયલ ટ્રાન્જેકશન માટે લોકોને કસ્ટમર નેમ, એડ્રેસ, બેંક એકાઉન્ટ, બેંક એકાઉન્ટનો પ્રકાર, આઇએફએસસી કોડ વિગેરેની માહિતી આપવાની રહે છે. આ ઉપરાંત મોબાઇલ નંબર, આધારકાર્ડ, કસ્ટમર યુપીઆઇ નંબર, ડેબીટ એન્ડ ક્રેડીટ કાર્ડ, સીવીવી નંબર, પીન નંબર અને ઓટીપી જેવી બાબતો એ કસ્ટમરનો સેન્સેટીવ પર્સનલ ડેટા કહેવાય છે.

મોટા ભાગે સેન્સેટીવ પર્સનલ ડેટા શેર થવાથી લોકોની સાથે સાયબર ફ્રોડ થાય છે. મોટા ભાગે જરૂરિયાત, લાલચ, ભય, અનવોન્ટેડ શેરીંગ અને અનવોન્ટેડ રિસ્પોન્ડીંગને કારણે લોકો ફાયનાન્સિયલ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. કેટલીક વખત લોકો લાલચમાં આવીને કયુઆર કોડ સ્કેન કરે છે પણ કયુઆર કોડથી માત્ર રૂપિયા મોકલી શકાય છે, પોતાના ખાતામાં કયારેય રૂપિયા આવતા નથી.

ફ્રી મોબાઇલ એપને કારણે કસ્ટમરનો પર્સનલ તેમજ સેન્સેટીવ ડેટા સાયબર ફ્રોડ કરનારાઓ પાસે સરળતાથી જતો રહે છે. એની ડેસ્ક તેમજ કવીક સપોર્ટ એપ્લીકેશન ડાઉનલોડ કરવાથી કસ્ટમરનો મોબાઇલ મિરર થઇ જાય છે, આથી કેટલીક વખત કસ્ટમરે ઓટીપી શેર કર્યો ન હોય તેમ છતાં તેના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. તેમણે કહયું હતું કે, મોબાઇલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે પરમીશન માગવામાં આવે છે ત્યારે લોકો વાંચ્યા વગર એપ્લીકેશન ડાઉનલોડ કરે છે ત્યારે તેમનો ડેટા શેર થઇ જાય છે. આ નોટિસમાં એવું લખેલું હોય છે કે તમે રાજીખુશીથી તમારો ડેટા આપો છો અને થર્ડ પાર્ટી સાથે શેર કરવાની પરમીશન આપો છો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં જ પ૦૦ મિલિયન લોકોનો વોટ્‌સએપનો ડેટા ચોરાઇ ગયો હતો. માત્ર એક મિનિટમાં લાખો/કરોડો ડેટા શેર થઇ જાય છે અને અસામાજિક તત્વો ડાર્ક વેબના બિઝનેસ માટે એટલે કે ડ્રગ ટ્રાફિકીંગ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ઇલીગલ ઇન્ફોર્મેશન (બેન્ક એકાઉન્ટ/પાસવર્ડ) વિગેરે માટે આ ડેટાનો ખોટી રીતે ઉપયોગ કરે છે. ખોટી રીતે ઉપયોગ કરનારા પપ લાખ જેટલા લોકોના એકાઉન્ટ વોટ્‌સએપ દ્વારા બંધ કરવામાં આવ્યા હતા.

સાયબર ક્રિમિનલો દ્વારા ફ્રોડ કરવા માટે અપનાવવામાં આવતી ફિશીંગ લીન્ક, વિશીંગ કોલ, ઓનલાઇન સેલીંગ પ્લેટફોર્મ, મોબાઇલ એપ્લીકેશન, એટીએમ કાર્ડ સ્કીમિંગ, સ્ક્રીન શેરીંગ, સીમ સ્વેપ/સીમ કલોઝીંગ, ક્રેડીન્શીયલ ઓનલાઇન સર્ચ એન્જીન, જ્યુસ જેકીંગ અને જોબ ફ્રોડ વિગેરે મોડસ ઓપરેન્ડી વિષે તેમણે સમજણ આપી હતી. સુરક્ષિત ડિજીટલ બેન્કીંગ માટે જે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

સુરક્ષિત ડિજીટલ બેન્કીંગ માટે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો….

– બે – ચાર મહિને એટીએમ તથા ઇ–મેઇલનો પાસવર્ડ બદલવો જોઇએ.
– મોબાઇલફોનમાં કયારેય પાસવર્ડ સ્ટોર કરવો નહીં.
– ગુગલ / ઇન્ટરનેટ પર પાસવર્ડ સેવ કરવો નહીં.
– ૧રથી ૧પ કેરેકટરના અઘરા પાસવર્ડ રાખો.
– પાસવર્ડ યાદ નહીં રહે તો એના માટે એક ડાયરીમાં તેને લખી રાખો.
– એટીએમ કાર્ડની પાછળ લખેલો સીવીવી નંબર છેકી નાંખો, જેથી કરીને કોઇના હાથમાં તમારું એટીએમ કાર્ડ આવી પણ જાય તો એ રૂપિયા ઉપાડી શકશે નહીં.
– ડિજીટલ બેન્કીંગ માટે જુદા મોબાઇલ ફોનનો ઉપયોગ કરો.
– જે બેંક એકાઉન્ટમાંથી ડિજીટલ બેન્કીંગ કરવાનું હોય એમાં બેલેન્સ ઓછું રાખો.
– ક્રેડીટ કાર્ડની લિમિટ ઓછી રાખો.
– બેંક સંબંધિત તથા પોતાની પર્સનલ માહિતી મોબાઇલ ફોનમાં નહીં રાખો.
– સરકારના ડીજી લોકરમાં પોતાનો પર્સનલ ડેટા રાખો.
– મોબાઇલમાં શંકાસ્પદ મેસેજ તેમજ લીન્કને ઓપન નહીં કરો.
– ફ્રી મોબાઇલ એપ ભુલથી પણ ડાઉનલોડ નહીં કરો.
– અજાણ્યા ઇ–મેઇલ ઓપન નહીં કરો અથવા લીન્ક પર કલીક નહીં કરો.
– પોતાના ચાર્જર તેમજ ડેટા કેબલથી જ અન્ય સ્થળે મોબાઇલ ચાર્જ કરો.

ચેમ્બરની બેન્કીંગ કમિટીએ આ અવેરનેસ સેશનના આયોજન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલા સેશનમાં હાજર રહયા હતા અને ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની બેન્કીંગ (નેશનલાઇઝ, પ્રાઇવેટ) કમિટીના ચેરમેન સીએ વિપુલ શાહે સેશનનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બરની બેન્કીંગ (કો–ઓપરેટીવ સેકટર્સ) કમિટીના ચેરપર્સન ડો. જયના ભકતાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને કો–ચેરમેન ડો. જતીન નાયકે વકતાનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button