ઉદ્યોગ સાહસિકોને વિવિધ બિઝનેસ નેટવર્કીંગ પ્લેટફોર્મને ધ્યાનમાં રાખીને અસરકારક પ્રેઝન્ટેશન માટેની પ્રેકટીકલ ટ્રેનીંગ અપાઇ
ચેમ્બરની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટી દ્વારા ‘પબ્લિક સ્પીકિંગ’અને ‘ઈફેકટીવ બિઝનેસ પ્રેઝન્ટેશન’ વિષય પર ટ્રેનીંગ મિટીંગ યોજાઇ હતી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટી દ્વારા ગુરૂવાર, તા. ર૯ સપ્ટેમ્બર, ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘પબ્લિક સ્પીકિંગ’ અને ‘ઈફેકટીવ બિઝનેસ પ્રેઝન્ટેશન’ વિષય પર ટ્રેનીંગ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે એસબીસી કમિટીના કો–ચેરમેન ચિરાગ દેસાઇ અને એસજીસીસીઆઇના સભ્ય તથા લાઈફ કોચ કલ્પેશ દેસાઇએ ‘પબ્લિક સ્પીકિંગ’અને ‘ઈફેકટીવ બિઝનેસ પ્રેઝન્ટેશન’વિષે ટ્રેનીંગ આપી હતી.
વકતા ચિરાગ દેસાઇએ પોતાના બિઝનેસને વધારવામાં મદદરૂપ થાય તેવું પ્રેઝેન્ટેશન કેવી રીતે આપી શકાય ? તેમાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ ? તેના વિષે માહિતી આપી હતી. તેમણે ૪ ‘પી’ એટલે કે પર્પઝ, પ્રિપેડ, પ્રેકટીસ અને પ્રેઝન્ટ તથા પ ‘સી’ એટલે કે કલીયારિટી, કન્ટેન્ટ, કનેકટ, કયુરોસિટી અને ક્રિએટીવિટી અંગે વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે દરેકના પરિચયની ખૂબીઓ અને ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ પર વિશેષ ભાર આપી ડેમોન્સ્ટ્રેશન સાથે પ્રેકટીકલ ટ્રેનીંગ આપી હતી. ખાસ કરીને હાલમાં જે વિવિધ બિઝનેસ નેટવર્કીંગ પ્લેટફોર્મ ચાલે છે તેને ધ્યાનમાં રાખીને ૩૦થી ૪પ સેકન્ડ તેમજ પાંચથી સાત મિનિટના સમયગાળામાં પોતાનું પ્રેઝન્ટેશન કેમ આપવું ? તેની જાણકારી આપી હતી.
વકતા કલ્પેશ દેસાઇએ પબ્લિક સ્પીકિંગમાં શું ધ્યાન રાખવું જોઇએ ? અને શું ના બોલવું જોઇએ ? તેની માહિતી આપી હતી. તેમણે વિવિધ પ્રકારની સ્પીચ, આકર્ષક સ્પીચના મુદ્દાઓ તેમજ સ્પીચ આપતા પહેલાની પૂર્વ તૈયારીઓ વિષે જાણકારી આપી હતી. ખાસ કરીને સ્પીચ આપતી વખતે બોડી લેંગ્વેજમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ પર તેમણે વિશેષ ભાર આપ્યો હતો. વકતવ્યને અસરકાર બનાવવા માટે તેમજ શ્રોતાઓને પ્રભાવિત કરવા માટે અવાજમાં વિવિધતા અને બોડી લેંગ્વેજનો કેવી રીતે ઉપયોગ કરવો ? તેની સમજણ આપી હતી. આ ઉપરાંત કોઇ ફંકશનમાં અચાનક વકતવ્ય આપવાનો સમય આવે ત્યારે પોતાની જાતને કેવી રીતે રજૂ કરવી જોઇએ તેના વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સની એસબીસી કમિટીના ચેરમેન એડવોકેટ પરેશ પારેખે ઉપરોકત ટ્રેનીંગ મિટીંગનું સંચાલન કર્યું હતું. મિટીંગના અંતે કો–ચેરમેન સુમીત ગર્ગે સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.