ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અનોખી રીતે થઈ ગુજરાત દિવસની ઉજવણી
સુરત: પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા બે જુદી જુદી જગ્યાએ વૃક્ષારોપણ તેમજ જાગૃતિ અભિયાનના માધ્યમથી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં તેમણે સુરતના અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ તેમજ શેઠ સીડી બરફીવાલા કૉલેજના વિદ્યાર્થીઓ સાથે ‘ક્લાયમેટ ચેન્જ’ની ગંભીરતાઓ બાબતે સંવાદ કર્યો હતો.
આ વૃક્ષારોપણ તેમજ જાગૃતિ અભિયાનનું આયોજન ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’ મુવમેન્ટ અંતર્ગત થયું હતું, જ્યાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન ખાતે પ્રથમ તબક્કામાં સોથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું. તો પાલના અન્નપૂર્ણા મંદિર ખાતેના અન્ય વૃક્ષારોપણના કાર્યક્રમમાં બરફીવાલા કૉલેજના એનએસએસના વિદ્યાર્થીઓ પણ સામેલ થયાં હતાં, જે બંને જગ્યાએ ગ્રીનમેન વિરલ દેસાઈએ ક્લાયમેટ ચેન્જની અસરોને પહોંચી વળવા વ્યક્તિગત ધોરણે ‘પર્યાવરણ સેનાની’ કઈ રીતે બની શકાય એ વિશે માર્ગદન આપ્યું હતું.
ઉપરાંત હાલમાં આપણે જે તાપમાનનો સામનો કરી રહ્યાં છીએ એ તાપમાનનો ભવિષ્યમાં ભોગ ન બનીએ એ માટે કયા પ્રકારના વૃક્ષો આપણી આસપાસમાં હોવા જોઈએ એ વિશે પણ વિરલ દેસાઈએ માર્ગદર્શન આપ્યું હતું.
આ સંદર્ભે વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથેનું આ પહેલું ટ્રી પ્લાન્ટેશન હતું, પરંતુ આગામી સમયમાં અમે અહીં પાંચ હજાર વૃક્ષો સાથેનું વિશાળ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરીશું, જે ફોરેસ્ટ પર્વત પાટીયા વિસ્તારની એક મોટી આબાદી માટે ઑક્સિજન ચેમ્બર બનશે. સાથે જ એ વૃક્ષોને કારણે અર્બન બાયોડાવર્સિટીને પણ અત્યંત ફાયદો થશે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમારી ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન મુવમેન્ટથી અમે જનજન સુધી પહોંચી રહ્યાં છીએ. એમાંય વિશેષરૂપે યુવાનો અને વિદ્યાર્થીઓ સુધી સૌથી વધુ પહોંચીએ છીએ, જેથી એ વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રીધારી ન બનતા સંવેદનશીલ નાગરિક પણ બને.’
ઉલ્લેખનીય છે કે તેમની ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’ મુવમેન્ટના માધ્યમથી વિરલ દેસાઈએ અત્યાર સુધીમાં પચાસ હજારથી વધુ લોકોને જાગૃતિ અભિયાન સાથે જોડ્યા છે અને અઢી લાખથી વધુ વૃક્ષો રોપવાનો સંકલ્પ લીધો છે.