સુરત

સુરતમાં પ્રદુષણને નિયંત્રિત કરવા માટે સેન્સર બેઇઝ હાઇબ્રીડ એર કવોલિટી મોનીટરીંગ નેટવર્ક ગોઠવવું પડશે : નિષ્ણાંત

પોલીસ કમિશનર અજય કુમાર તોમરે પણ પ્રદુષણને અટકાવવા પોતાનો વિચાર રજૂ કર્યો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ર૯ એપ્રિલ, ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘રોલ ઓફ ઇન્ડીજિનીયસ એન્ડ ઇનોવેટીવ ટેકનોલોજીસ ઇન અર્બન એર કવોલિટી મેનેજમેન્ટ’ વિષય ઉપર મહત્વનું સેશન યોજાયું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે આઇઆઇટી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે, સિનિયર રિસર્ચ ફેલો સચિન ધવન અને એસોસિએટ પ્રોફેસર ડો. શ્રી હર્ષા કોટાએ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર યુ લિયા ઇએ પણ ઓનલાઇન જોડાઇને પ્રદુષણને નિયંત્રિત કરવા માટે સિંગાપોરમાં લેવાયેલા વિવિધ પગલાઓ વિશે માહિતી આપી હતી.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, હવાના પ્રદુષણની વાતો થાય છે ત્યારે મોટાભાગનો આક્ષેપ ઉદ્યોગો ઉપર લગાવવામાં આવે છે. પરંતુ હવાના પ્રદુષણ માટે સૌથી વધુ જવાબદાર કોઇ હોય તો તે વાહનો અને રોડ – રસ્તા ઉપર ઉડતી ધુળની ડમરીઓ છે. ઉદ્યોગોને માત્ર સોફટ ટાર્ગેટ કરવામાં આવે છે અને એને કારણે ઉદ્યોગો ઉપર દબાણ નાંખી તેનો વિકાસ અટકે એવી પ્રવૃત્તિ નહીં થવી જોઇએ. જો કે, ઉદ્યોગોને પણ હવાના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે પોતાની જવાબદારી સમજવી પડશે.

આઇઆઇટી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરેએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ૪૭૪ સ્કવેર કિલોમીટર વિસ્તારમાં સૌથી વધુ પ્રદુષણ ઔદ્યોગિક વિસ્તારમાં થતું હોવાનું જોવા મળ્યું છે. આથી આ પ્રદુષણને નિયંત્રિત કરવા માટે સુરતમાં સૌપ્રથમ મોનીટરીંગ કરવું પડશે. પ્રદુષણની માત્રા જાણવા માટે જુદા–જુદા ઇકવીપમેન્ટ શોધાયા છે, જે પ્રદુષણની માત્રાને મોનીટરીંગ કરે છે. કયા સમયે અને કેટલી માત્રામાં પ્રદુષણ થાય છે તે બાબત જાણવા માટે ઓછામાં ઓછા ૧૬ જેટલા સ્થળે એર મોનીટરીંગ સિસ્ટમ લગાવવી પડશે.

કેન્દ્ર સરકારની ઉચ્ચતર આવિષ્કાર યોજના અંતર્ગત જીપીસીબીને ફાળવવામાં આવતા ફંડની મદદથી સુરતમાં સેન્સર બેઇઝ હાઇબ્રીડ એર કવોલિટી મોનીટરીંગ નેટવર્ક ગોઠવી શકાય છે. જેથી કરીને ચોકકસપણે કયા સમયે કેટલી માત્રામાં પ્રદુષણ થાય છે તે જાણી શકાય અને તેને આધારે જ પ્રદુષણને નિયંત્રણમાં લાવવા માટે આગળ વધી શકાય છે. ડિસીઝન મેકીંગ સિસ્ટમ ફોરકાસ્ટીંગ કરે છે અને તેના આધારે મોનીટરીંગ કરીને ભવિષ્યમાં પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના પગલા લઇ શકાય છે. તેમણે આઇઆઇટી મદ્રાસના કેમ્પસમાં લાગેલી સિસ્ટમ તથા દિલ્હીમાં પ્રદુષણને નિયંત્રિત કરવા માટે લેવાયેલા પગલાઓ વિશે પણ માહિતી આપી હતી.

આઇઆઇટી દિલ્હીના એસોસિએટ પ્રોફેસર ડો. શ્રી હર્ષા કોટાએ પ્રદુષણને નિયંત્રિત કરવા માટે એકશન પ્લાન વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જ્યારે સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર યુ લિયા ઇએ સિંગાપોરમાં એર કવોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ તથા એર પોલ્યુશનને નિયંત્રિત કરવા માટે કરાયેલી નાની – નાની એકટીવિટી વિશે માહિતી આપી હતી.

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે પ્રદુષણને નિયંત્રિત કરવા માટે પોતાનો વિચાર રજૂ કર્યો હતો. ચેમ્બરની એન્વાયરમેન્ટ / પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના એડવાઇઝર ગિરીશ લુથરાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જ્યારે કમિટીના ચેરમેન કુન્હાલ શાહે કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી વધારે પ્રદુષિત ૧૦૦ શહેરોમાં સુરતનો ૭૮ મા ક્રમે સમાવેશ થાય છે. આથી પ્રદુષણને અટકાવવા માટે દરેક શહેરીજનોએ પોતાની જવાબદારી સમજવી પડશે. ચેમ્બરની વોટર ટ્રિટમેન્ટ કમિટીના સભ્ય ઉમંગ શાહે સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના ગૃપ ચેરમેન ભદ્રેશ શાહે સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button