નિકેતન સ્કૂલ ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો: સેંકડો જરૂરિયાત મંદોએ આ કેમ્પમાં લાભ લીધો

સુરતની વરાછા વિસ્તારમાં આવેલી નિકેતન સ્કૂલ અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સંયુક્ત ઉપક્રમે રવિવારે વિનામૂલ્યે આંખ નિદાન અને મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા સેંકડો જરૂરિયાતમંદ દર્દીઓની આંખોની તપાસ, નંબરની ચકાસણી અને મોતિયાનું નિદાન કરવામાં આવ્યું હતું. જે દર્દીઓને મોતિયાની તકલીફ જણાઈ હતી, તેમને અત્યાધુનિક ફેકો ટેકનોલોજી દ્વારા ટાંકા વગરના વિનામૂલ્યે ઓપરેશન માટે પસંદ કરી આગળની સારવારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમાજમાંથી અંધત્વ દૂર કરવાના ઉમદા હેતુથી આયોજિત આ કેમ્પમાં નિકેતન સ્કૂલ અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આર્થિક રીતે નબળા પરિવારોને ઘર આંગણે જ નિષ્ણાત ડોક્ટરોની સેવા અને અત્યાધુનિક તપાસની સુવિધા મળતા મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. આ તકે સંસ્થાના હોદ્દેદારોએ તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.



