
સુરત ઉધના વિસ્તારમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં સૌથી વધુ લોકો મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ઓડિશા અને બિહાર રાજ્યમાંથી આવીને વસવાટ કરતા લોકો છે. આ જનસભામાં આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મોટી સંખ્યામાં હાજર લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આપણે તમામ લોકો પોતાના દમ પર મહેનત કરીને મજૂરી કરીને ગુજરાન ચલાવનાર લોકો છીએ આપણે કોઈનું કંઈ લૂંટતા નથી અને કોઈ ખરાબ ભાવના પણ રાખતા નથી. અત્યાર સુધી જેટલી પણ પાર્ટીઓ હતી તે તમામ લોકોએ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એવું જ સમજાવ્યું કે ગરીબ લોકો સપના નથી જોઈ શકતા અને ગરીબ લોકો આગળ નથી વધી શકતા અને ગરીબ અને ઈમાનદાર લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ નહીં. આ રાજનેતાઓએ આપણને મહેસુસ કરાવ્યું કે આપણે કંઈ કરી શકતા નથી. પરંતુ મને સવાલ થતો કે શા માટે મારા જેવા સામાન્ય ઘરના અને ગરીબ ઘરના લોકો આગળ નથી વધી શકતા? આપણા લોકોનું માન સન્માન ક્યાં છે? પછી મેં હીરાનું કામકાજ છોડી દીધું અને સરકારી નોકરીની તૈયાર કરીને પોલીસની નોકરી લીધી. સરકારી નોકરી મળ્યા બાદ પણ મને લાગ્યું કે આ દેશની વ્યવસ્થામાં કઈને કંઈ ખોટ છે. જેના કારણે સામાન્ય લોકોની વાત ક્યાંય પણ સાંભળવામાં આવતી નથી.
ત્યારબાદ મેં રાજનીતિમાં આવવાનું નક્કી કર્યું. ત્યારબાદ હમણાં બે મહિના પહેલા ગુજરાત રાજ્યની વિસાવદર સીટ પરથી લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો. આખા ગુજરાતનો આત્મા જાગે તેવું મારું સપનું છે, તેવી મારી કોશિશ છે. હું છેલ્લા દસ વર્ષથી રાજકારણના પ્લેટફોર્મ પર સંઘર્ષ કરું છું, ખરાબ અને કપરો સમય જોયો, મારી પાર્ટીને હારી જતા જોઈ, મને હારી જતા જોયો પણ અમે અમારો લક્ષ્ય નથી છોડ્યું. અમારો એક જ લક્ષ્ય છે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ભાજપ ભાગે. અમારા વિસાવદરના ખેડૂતો, પશુપાલકો, રત્ન કલાકારો, અમારી બહેનો, અમારા સૌ મતદારોએ મારા માથે હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા એટલે અત્યારે આખા ગુજરાતમાં અમારુ ચાલી રહ્યું છે. એ દસ વર્ષનો સંઘર્ષ લેખે લાગ્યો પરંતુ અહીંયા લડાઈ પૂરી થતી નથી અહીંથી તો ચાલુ થાય છે. ગોપાલ ઇટાલીયા ધારાસભ્ય બન્યા ત્યાં લડાઈ પૂરી નથી થઈ ત્યાંથી તો શરૂ થઈ છે.
આપણે બધા વિચારવું પડશે કે આપણી સાથે થઈ રહ્યું છે તે વ્યાજબી છે કે ગેર વ્યાજબી. તમારા મતથી એક વ્યક્તિ શિક્ષણ મંત્રી બને છે અને પોતાની 10 ખાનગી શાળાઓ શહેરમાં ખોલી નાખે છે. તમારા મત થી બનેલો શિક્ષણ મંત્રી સમાજને નહીં પરંતુ તમને બનાવીને જતો રહેશે. તો તમારી આત્માને પૂછો કે તમે સરકારી શાળા બનાવવા મત આપો છો કે પ્રાથમિક શાળા. મારે હોદ્દો, પૈસા, ગાડી, ધારાસભ્યનું પદ જોતું હોત તો ભાજપવાળા તૈયાર જ બેઠા છે ટેકાના ભાવે ખરીદી કરી તરત જ બનાવી દેતા. ભાજપવાળા દુનિયામાં ડંકો વગાડી દેવાની વાત કરે છે પરંતુ શાળઓ નથી, શિક્ષકો નથી તો પહેલા શાળા બનાવવાનું કામ કરો. મેં રત્ન કલાકારો માટે ચાલતી રત્નદીપ યોજનાની કામગીરી ક્યાં પહોંચી તે જાણવા 10 જિલ્લાના અધિકારીઓને ફોન કરીને પુછ્યું તો તેમણે જણાવ્યું કે હજી સ્ક્રૂટીની ચાલે છે. આજે રત્ન કલાકારને પોતાના છોકરાઓને ભણાવવા માટે પૈસાની જરૂર છે તો 50 પેપર માંગવામાં આવી રહ્યા છે. દસ વર્ષ પહેલાં ડ્ર્ગ્સનું કોઈપણ જાતનું દુષણ હતું નહીં, આજે ચારો તરફ ડ્રગ્સ નું દુષણ વધી ગયું છે. આપણા દીકરા દીકરીઓ બરબાદ થઈ રહ્યા છે પણ ભાજપના પેટનું પાણી નથી હલતું. પરંતુ આ તમામ પરિસ્થિતિઓ હવે બદલાશે કારણ કે ગુજરાતની જનતા જાગી રહી છે અને આવનારી તમામ ચૂંટણીઓમાં આમ આજની પાર્ટી મજબૂત પ્રદર્શન કરશે અને ગુજરાતના ઇતિહાસમાં એક નવી રાજનીતિની શરૂઆત કરશે અને આમ આદમી પાર્ટીની જીત સાથે જ ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થઈ જશે.