પલસાણા તાલુકાના એના ગામે સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

સુરત : પલસાણા તાલુકાના એના ગામ સ્થિત સરદાર પટેલ વિદ્યાલય ખાતે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ૧૫મી ઓગષ્ટ- ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની સુરત જિલ્લાકક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. કલેકટરએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારી-કર્મચારીઓ, નાગરિકો, ૧૦ બ્રેઈનડેડ અંગદાતાના પરિવારજનોને સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓની દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓથી એના ગામ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું.
જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવામાં સુરત જિલ્લો એક સમર્પિત ભાગીદારના રૂપમાં યોગદાન આપી રહ્યો છે. સુરત જિલ્લાના અંતરિયાળ ગામો, છેવાડાના આદિવાસી વિસ્તારો સુધી પીવાનું સ્વચ્છ પાણી, સિંચાઈનું પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણની સવલત થકી વિકાસના ફળો પહોંચ્યા છે, આ વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે જિલ્લા વહીવટીતંત્રને વિશેષ ગૌરવ અને આનંદ છે.
દેશની ૧.૪૪ લાખ ગ્રામ પંચાયતોમાંથી સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતા ગુજરાત અને જિલ્લાનું ગૌરવ વધ્યું હોવાનું જણાવી આ સિદ્ધિ બદલ પદાધિકારી-અધિકારીઓ, ગ્રામજનો અભિનંદન આપ્યા હતા.
કલેક્ટરએ ઉમેર્યું કે, સુરત જિલ્લો અને શહેર સ્વચ્છતામાં દેશભરમાં અગ્રેસર રહ્યા છે. દેશમાં સ્વચ્છ શહેરની નામના સુરતને મળી છે. શહેર સાથે નગરપાલિકાઓ પણ સ્વચ્છતામાં અગ્રેસર રહી છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ માં બારડોલી અને કડોદરા નગરપાલિકાએ ભારતના ટોચના ૧૦૦ સ્વચ્છ શહેરમાં સ્થાન મેળવ્યું છે ગૌરવપ્રદ છે.
વધુમાં તેમણે કહ્યું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તા મંડળો, જામનગર, ભાવનગર અને જુનાગઢ વિસ્તાર વિકાસ સત્તામંડળો સિવાયની રાજ્યના તમામ વિસ્તારની ખેતી હેતુ નવી અને અવિભાજ્ય શરત, પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રીત સત્તા પ્રકારની તમામ જમીનો મહેસુલ વિભાગના ઠરાવથી જૂની શરતની ગણવામાં આવશે, જેનાથી આવી જમીનો માટે તબદિલી કે બિનખેતી હેતુફેર (રિવાઇઝડ બિનખેતી) માટે પ્રિમિયમના હેતુ માટે કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહેશે નહીં, તેમજ કોઇ પણ પ્રકારનું પ્રિમિયમ પણ ભરવાનું રહેશે નહીં.
વહીવટી અનુકુળતા તથા બિનખેતી પરવાનગી મેળવવાની કાર્યપધ્ધતિમાં વધુ સરળીકરણના ભાગરૂપે બિનખેતીની પરવાનગી આપવા દરમિયાન ખેડૂત ખરાઇ બાબતે મહેસુલી રેકર્ડના ચકાસણીના કિસ્સામાં બિનખેતી કરવાની અરજદારની અરજીની તારીખથી છેલ્લા ૨૫ વર્ષનું જ રેકર્ડ ધ્યાને લેવામાં આવશે એમ વિગતો આપતા કલેક્ટરએ કહ્યું હતું.
જનસહયોગથી સુરત જિલ્લો પ્રગતિના પંથે હોવાનું જણાવી કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, સુરત જિલ્લા પંચાયતે ગ્રીન અને રિન્યુએબલ એનર્જી અને પર્યાવરણ સંરક્ષણ માટે ગ્રામપંચાયત કચેરીઓ પર સોલાર પેનલ ઈન્સ્ટોલ કરી ગ્રામ પંચાયતોને સૌર ઉર્જાથી સજ્જ અને સ્વાવલંબી બનાવવા સરાહનીય પહેલ કરી છે. જળસંચય અભિયાન હેઠળ સમગ્ર સુરત જિલ્લામાં સરકારી ગ્રાંટ, નાણા પંચની ગ્રાંટ, CSR ફંડ અને સહકારી સંસ્થાઓના સહયોગથી લગભગ ૬૦,૦૦૦ જેટલા જળસંચયના કામો પૂર્ણ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લો પ્રથમ સ્થાન પર રહ્યો છે.
સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારના પ્લોટ વિહોણા લાભાર્થીઓનો માટે વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશના ભાગરૂપે ૧૦૩ ઘરવિહોણા લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટ ફાળવ્યા છે, જેમને આવાસ મંજુરીના હુકમ એનાયત કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
કૃષિવિકાસથી રાષ્ટ્રવિકાસની ભાવના સાકાર કરવામાં સુરત અગ્રેસર છે એમ જણાવતા કલેક્ટરશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી કુલ ૧,૩૦,૦૦૦ થી વધારે લાભાર્થીને ૧૯ હપ્તામાં કુલ રૂ. ૪૩૮.૦૦ કરોડથી વધારે રકમ ખેડૂતોના બેક ખાતામાં ડીબીટી દ્વારા સીધી જમા કરવામાં આવી છે. એગ્રી સ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૧,૨૯,૭૩૭ ખેડૂતોનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરાયું છે.
પી.એમ. જનઆરોગ્ય યોજના અંતર્ગત સુરતમાં કુલ ૧,૨૨,૮૬૭ લાભાર્થીઓએ PMJAY અંતર્ગતની પ્રાઈવેટ હોસ્પિટલો તથા સરકારી હોસ્પિટલોમાં વિનામુલ્યે સારવારનો લાભ મેળવ્યો છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના PMJAY “વયવંદના” અંતર્ગત સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૫૭,૬૨૬ જેટલા ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય કવચ પૂરૂ પાડ્યું છે એમ જણાવી જિલ્લાના નાગરિકોને સરકારની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા જિલ્લા તંત્ર હરહંમેશ સંકલ્પબદ્ધ હોવાનું કહ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સુરત જિલ્લામાં પીએમ જનમન (જનજાતિય આદિવાસી ન્યાય મહા અભિયાન) યોજનામાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસિલ થઈ છે. પીવાના પાણીના ૧૦૦ ટકા કનેક્શન, બે વનધન વિકાસ કેન્દ્રની સ્થાપના (દેવગઢ અને ધાણાવડ) અને ૯૮ ટકા ઘરોમાં વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
કેન્દ્રીય આદિજાતિ મંત્રાલયની પહેલ ધરતી આબા જનભાગીદારી ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ૧૫ જુન થી ૩૦ જૂન સુધી આધારકાર્ડ, રાશનકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ ત્વરિત મળી રહે તે માટે જિલ્લામાં ગ્રાઉન્ડ સ્તરે ક્લસ્ટર બનાવી સુરત જિલ્લામાં ૨૦૨૫ ક્લસ્ટર કેમ્પમાં ૩૩,૦૦૦ આદિજાતિ ના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી.
આઝાદીના ઘડવૈયા પૂ.ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નામી અનામી સ્વતંત્રતા સંગ્રામના વીરોનું સ્મરણ કરી તેમણે જિલ્લાના સૌ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયોજન કચેરી અને પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા શહેર-જિલ્લાના સર્વાંગી વિકાસનું આલેખન કરતી ‘વિકાસ વાટિકા ૨૦૨૪-૨૫’નું વિમોચન જિલ્લા કલેક્ટરશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રી અને મહાનુભાવોએ વિદ્યાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નાયબ પોલીસ મહા નિરીક્ષક હિતેષ જોઈસર, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પ્રાંત અધિકારી વી.કે. પીપળીયા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, ગ્રામજનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.