તંદુરસ્ત જીવનશૈલી અપનાવી આહાર પ્રણાલીમાં ફેરફાર કરીએ, મેદસ્વિતાને જાકારો દઈએ
ફાસ્ટફૂડ, અનિયમિત જીવનશૈલી અને પોષક આહાર લેવામાં ઉદાસીનતા મેદસ્વિતાને આમંત્રણ આપે છે

સુરત : આજના ફાસ્ટ જમાનામાં લોકોના સામાન્ય જીવનશૈલી અને આરોગ્ય પર મેદસ્વિતાની થઈ રહેલી વિપરિત અસરના કારણે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે લોકોને મેદસ્વિતા બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
મેદસ્વિતા એ માત્ર શરીરની ચરબી વધવાની સમસ્યા નથી પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ-બ્લડપ્રેશર, ઘુંટણ દર્દ, કમર દર્દ, કેન્સર અને અન્ય ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે આજની પેઢી મેદસ્વિતા તરફ ધકેલાઈ રહી છે.
મેદસ્વિતાના કારણોની વાત કરીએ તો, આહાર અને જીવનશૈલીમાં તેલ, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ (કોલ્ડ્રીંક ફૂડ) વગેરે વધારે પ્રમાણમાં લેવાથી, શારીરિક કસરત અને ફિટનેસનો અભાવ તથા વધુ કેલેરીવાળા અને અસંતુલિત આહારના કારણે મેદસ્વિતા ધરાવતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત તણાવ અને અનિયમિત જીવનશૈલી, કુટુંબમાં મેદસ્વિતાનો ઈતિહાસ અને હોર્મોનલ અસંતુલન (થાઈરોઈડ, ડાયાબિટીસ) સહિતની બાબતો પણ મેદસ્વિતાનું કારણ હોઈ શકે છે.
ફાસ્ટફૂડ, અનિયમિત જીવનશૈલી અને પોષક આહાર લેવામાં ઉદાસીનતા મેદસ્વિતાને આમંત્રણ આપે છે. જીવનશૈલીમાં બદલાવ અને રોજીંદી ક્રિયાઓમાં ફેરફારથી મેદસ્વિતાને નિયંત્રણમાં લાવી શકાય છે. સમય પર ખાવું, સુવુ, ચાવીને ખાવું વગેરે જેવા દિનચર્યામાં અને જીવનશૈલીમાં સુધારા, પૌષ્ટિક અને પ્રાકૃતિક આહાર જેવા આહાર શૈલીમાં કરેલા સુધારા, દોડવું, ચાલવું, તરવું વગેરે જેવી નિયમિત કસરત, દૈનિક ૩૦ થી ૪૫ મિનિટ યોગ અને પ્રાણાયામ તેમજ આયુર્વેદિક ઉપાયોથી મેદસ્વિતા નિયંત્રણમાં લાવી શકાય છે. સરકાર ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન ચલાવી રહી છે ત્યારે ચાલો આપણે પણ આપણી જીવનશૈલીમાં સામાન્ય ફેરફાર કરી મેદસ્વિતાને જાકારો આપીએ.