
નવસારી તા. ૧૦ મે, ૨૦૨૫ – નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (એનએમએ), સુરસેઝ યુનિટ હોલ્ડર્સ એસોસિએશન (એસઈઝેડ, સચિન) અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા સંયુક્ત રીતે “નિકાસ અને એમએસએમઈઝ માટે ફાઇનાન્સ” વિષય પર એક અડધા દિવસીય વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ નિકાસ પ્રવૃત્તિઓ અને લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈઝ) સંબંધિત નિર્ણાયક નાણાકીય પાસાઓ વિશે સહભાગીઓને શિક્ષિત અને માર્ગદર્શન આપવાનો હતો.
ગ્લોબલ ટ્રસ્ટ બેંક લિ.ના ભૂતપૂર્વ એજીએમ અને નિકાસ-આયાત પ્રક્રિયાઓના સલાહકાર અને કોર્પોરેટ ટ્રેનર કે. રાજશેખરે આ વર્કશોપનું સંચાલન કર્યું હતું અને ઉપસ્થિત લોકો સાથે તેમના વ્યાપક જ્ઞાન અને માહિતી આપી હતી, જેમાં વિવિધ આવશ્યક વિષયોને આવરી લેવામાં આવ્યા હતા જેમકે: એમએસએમઈની વ્યાખ્યાઓ અને કવરેજ; બેંકો પાસેથી ક્રેડિટ મર્યાદા મેળવવા માટેના માપદંડો અને શરતો; નિકાસ ફાઇનાન્સ, માર્ગદર્શિકા અને વ્યાખ્યાઓનો પરિચય; બેંકો તરફથી નિકાસ ફાઇનાન્સ વિકલ્પો, કવરેજ અને માર્ગદર્શિકા; પ્રી-શિપમેન્ટ અને પોસ્ટ-શિપમેન્ટ ફાઇનાન્સ માર્ગદર્શિકા અને સાવચેતીઓ; નિકાસ લેટર્સ ઓફ ક્રેડિટ સામે ધિરાણ; ઇસીજીસી દ્રારા ક્રેડિટ જોખમ કવરેજ; અને ફાઇનાન્સિંગ સાધન તરીકે ફેક્ટરીંગ.
આ વર્કશોપમાં વ્યાવસાયિકો, નિકાસકારો અને ઉદ્યોગસાહસિકોએ સક્રિયપણે ભાગ લીધો હતો, જેઓ નિકાસ ધિરાણ અને એમએસએમઈ ભંડોળ વિશેની તેમની સમજણ વધારવા માટે ઉત્સુક હતા. સહભાગીઓએ નાણાકીય લેન્ડસ્કેપને નેવિગેટ કરવા, જરૂરી ભંડોળ મેળવવા અને નિકાસ સંબંધિત વ્યવહારોમાં જોખમોને ઘટાડવા અંગે મૂલ્યવાન આંતરદૃષ્ટિ મેળવી હતી.
એએમએના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, “આ વર્કશોપે સહભાગીઓને નિકાસ ધિરાણ અને એમએસએમઈ ભંડોળની જટિલતાઓ વિશે જાણવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.” એક સહભાગીએ જણાવ્યું હતું કે, “આ પ્રોગ્રામ ખૂબ જ માહિતીપ્રદ અને ઇન્ટરેક્ટિવ હતો, અને અમારું માનવું છે કે મેળવેલું જ્ઞાન વ્યવસાયોને વૈશ્વિક બજારમાં વિકાસ કરવામાં સક્ષમ બનાવશે.”
નવસારી મેનેજમેન્ટ એસોસિએશન, સુરસેઝ યુનિટ હોલ્ડર્સ એસોસિએશન (એસઈઝેડ, સચિન) અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ભવિષ્યમાં સ્થાનિક વ્યવસાયોને ટેકો આપવા અને પ્રદેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આવા વધુ વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવાની યોજના ધરાવે છે.