
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૧, રર અને ર૩ ફેબ્રુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ઉદ્યોગ ર૦રપ’ નું આયોજન કરવામાં આવ્યું છે, જેને વિઝીટર્સનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહયો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ પ્રદર્શનમાં બે દિવસ દરમ્યાન સુરત ઉપરાંત વેસ્ટ બંગાલ, દહેરાદુન, બેંગ્લોર, જયપુર, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પૂણે, પાણીપત, તેલંગાણા, વાપી, વલસાડ, અમદાવાદ, ભાવનગર, અંકલેશ્વર, બિલીમોરા, દમણ, દહાણુ, ચીખલી, વડોદરા અને રાજકોટથી બાયર્સ મુલાકાતે આવ્યા હતા. ભારત ઉપરાંત હોંગકોંગથી કેટલાક બાયર્સ ઉદ્યોગની મુલાકાતે આવ્યા હતા અને સોલાર પેનલ મેન્યુફેકચરીંગ ઉપરાંત અન્ય પ્રોડકટની જાણકારી મેળવી હતી. ઉદ્યોગ પ્રદર્શનમાં પ્રથમ દિવસે ૪૩૮૦ અને આજે બીજા દિવસે ૬પ૮૪ મળી કુલ ૧૦૯૬૪ જેટલા વિઝીટર્સ મુલાકાતે આવ્યા હતા, આથી એકઝીબીટર્સને જેન્યુન બાયર્સનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે.
ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, ઉદ્યોગ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્સ અને સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.
આ વર્ષે પ્રથમ વખત ઉદ્યોગ પ્રદર્શનમાં મુક–બધીર અને દિવ્યાંગો માટે અલગથી દિવ્યાંગ સ્ટ્રીટ ફાળવવામાં આવી છે. દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડકટનું પ્રદર્શન કરી શકાય તે માટે તેઓને પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવ્યું છે, જ્યાં દિવ્યાંગોને પણ ખુબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે. તેમના સ્ટોલ પર તેઓને રૂટીન કરતા વધારે માત્રામાં ઓર્ડર મળી રહયો હોવાનું તેમની પાસેથી જાણવા મળ્યું હતું.