બિઝનેસસુરત

સુરત રેલવે સ્ટેશનને ઈન્ટીગ્રૅશન ઓફ ઓલ મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટસ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે

વર્ષ ૨૦૨૬ ના અંત સુધીમાં સુરત રેલ્વે સ્ટેશનને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH)ના રૂપમાં પૂર્ણ કરવાની દિશામાં રેલ્વે, રાજ્ય સરકાર અને મનપા તંત્ર કાર્યરત: વેસ્ટર્ન રેલવેના ચીફ પી.આર.ઓ. વિનીત અભિષેક

સુરત: સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સમાન બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા રિડેવલપ કરવામાં આવી રહ્યું છે. રેલ્વે, એસ.ટી. બસ, મેટ્રો રેલ તથા BRTS- સુરત સિટી બસસેવાની તમામ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એક છત્ર નીચે ઉપલબ્ધ બને એવા હેતુથી MMTH (મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ) પ્રોજેક્ટ રાજ્ય સરકાર, રેલ્વે વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.

MMTH પ્રોજેક્ટની પ્રસ્તાવિત સુવિધાઓમાં સરળ અને સુવિધાયુક્ત પ્રવેશ, વધુ સારી કનેક્ટિવિટી, સુરતની પૂર્વ બાજુને કનેક્ટિવિટી પૂરી પાડવા માટેનો નવો પૂર્વ-પશ્ચિમ માર્ગ, રેલવે પ્લેટફોર્મ, GSRTC ટર્મિનલને વિના અવરોધ કનેક્ટિવિટી માટે પેસેન્જર ઇન્ટરચેન્જ પ્લાઝાના રૂપમાં સેન્ટ્રલ કોનકોર્સ અને વોકવેનો સમાવેશ થાય છે, મુસાફરો માટે BRTS/સિટી બસ ટર્મિનલ, પાર્કિંગ ઝોન, મનોરંજન વિસ્તાર, કોમર્શિયલ બિલ્ડીંગ્સ, એલિવેટેડ કોરિડોર, સ્કાયવોક્સ વગેરે સુવિધાઓને આવરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં રેલ્વે મંત્રાલય ૬૩ %, રાજ્ય સરકાર ૨૪% અને સુરત મનપા ૩ % ખર્ચ વહન કરી રહી છે.

વેસ્ટર્ન રેલવેના ચીફ પી.આર.ઓ. વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, MMTH પ્રોજેક્ટ અંતર્ગત ૬૨,૧૨૯ ચોરસ મીટર જમીન પર ઇસ્ટ સ્ટેશન બિલ્ડીંગ, ૨૬,૨૯૭ ચોરસ મીટર જમીન પર વેસ્ટ સ્ટેશન બિલ્ડીંગ, ૩૩,૧૮૮ ચોરસ મીટર જમીન પર એસ.ટી. (GSRTC) બસ સ્ટેશન અને ૫.૫૦ કિમી લાંબા એલિવેટેડ કોરિડોરનું કામ પ્રગતિમાં છે, એલિવેટેડ કોરિડોર સુગમ વાહનવ્યવહારની કનેક્ટિવિટી માટે ઇસ્ટ, વેસ્ટ બિલ્ડીંગ અને આસપાસના ફ્લાયઓવર્સને જોડશે.

સુરત રેલવે સ્ટેશનમાં વધુ સારી કનેક્ટિવિટી, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન અને રિટેલ અને રિયલ એસ્ટેટને વેગ મળવા સાથે રોજગારીની વિપુલ તકો પણ ઉભી થશે. સ્ટેશન આસપાસ ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે. વર્ષ ૨૦૨૬ ના અંત સુધીમાં સુરત રેલ્વે સ્ટેશનને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH)ના રૂપમાં પૂર્ણ કરવાની દિશામાં રેલ્વે, રાજ્ય સરકાર અને મનપા તંત્ર કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.

SITCOના DGM  જતિન શાહે જણાવ્યું હતું કે, MMTH પ્રોજેક્ટના ભારૂપે પ્લેટફોર્મ નં.૪નું કાર્ય પૂર્ણ કરી રેલ્વે બોર્ડને પૂર્વવત રેલ પરિવહન માટે સોંપી દેવામાં આવ્યું છે, જ્યારે આગામી દિવસોમાં રેલવે તંત્ર દ્વારા બ્લોક મળ્યેથી પ્લેટફોર્મ નં.૨ અને ૩નું કામ શરૂ કરી ૯૮ દિવસમાં પૂર્ણ કરાશે.

નોંધનીય છે કે, મુસાફર MMTH સ્થળેથી સીધો ઇસ્ટ તરફના રેલવે સ્ટેશન, વેસ્ટ તરફના સ્ટેશને, એસ.ટી.બસમાં, સિટી બસ-બીઆરટીએસ બસમાં પ્રવેશ કરી શકશે. ઉપરાંત તમામ બસોમાંથી ઊતરીને મેટ્રોમાં પ્રવેશ કરી શકશે. એ માટે કોઈપણ પ્રવાસીને MMTH બિલ્ડિંગની બહાર રસ્તા પર આવવાની જરૂર નહીં રહે. ઉપરાંત, તમામ ટ્રાન્સપોર્ટેશન મોડ એકસાથે ઇન્ટરનલ કનેક્ટેડ રહેશે, એ માટે ૬ મીટર પહોળાઈના ૩ સ્કાય વોક બનાવાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button