સુરત: દર વર્ષની જેમ આ વર્ષે પણ હજ યાત્રાએ જનારા યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એક જ સ્થળે વિવિધ પ્રકારના જરૂરી ટેસ્ટ અને ચકાસણી થઈ શકે તે માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં સીબીસી (Complete Blood Count), આરબીએસ (Random Blood Sugar), બ્લડ પ્રેશર, અને ઇસીજી જેવી તપાસોનો સમાવેશ થાય છે.
હજ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનો કેમ્પ તા.૧૪ થી ૧૯ ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં આજે પ્રથમ દિવસે ૨૨૩ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. સુરત જિલ્લાથી કુલ ૧,૬૦૦ હજ યાત્રીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, અને તમામ યાત્રીઓના સર્ટિફિકેટ સમયસર પૂરા કરવા માટે હોસ્પિટલે જુની સિવિલ હોસ્પિટલના ડોકટરો તથા મેડિકલ કોલેજના સ્ટાફની મદદ સાથે કામગીરી તીવ્ર ગતિએ શરૂ કરી છે.
સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. કેતન નાયકએ જણાવ્યું કે, “હજ યાત્રીઓ સરળતાથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકે તે માટે એક જ છત હેઠળ તમામ તપાસ પૂર્ણ થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ૧૯ ઓક્ટોબર સુધી તમામ યાત્રીઓના ચેકઅપ અને સર્ટિફિકેટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.”
નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું કે, “સિવિલ તંત્ર દ્વારા એક જ સ્થળે તમામ પ્રકારની મેડિકલ તપાસ માટે વ્યાપક આયોજન હાથ ધરાયું છે. ડોક્ટરો અને સ્ટાફના પૂર્ણ સહયોગ સાથે રિપોર્ટ અને ચેકઅપ ઝડપથી કરવામાં આવી રહ્યા છે.”
હજ કમિટી દ્વારા પણ આ કેમ્પ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઈ.ચા.આર.એમ.ઓ ડો.લક્ષ્મણ ટેહલાની, નર્સિંગ એસોસિએશનના અશ્વિનભાઇ પંડયા અને હજ કમિટીના સભ્યો અક્રમભાઇ શાહ, ઝાહીર હકીમ, એસ.આર.ખાન, જાવેદભાઇ કડીવાલા, જાવેદભાઇની દેખરેખ હેઠળ યાત્રીઓ માટે કાર્યક્ષમ અને સુચારી પ્રક્રિયા જાળવવામાં આવી રહી છે. ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટેની પ્રક્રિયાને ગતિશીલ બનાવવા અને યાત્રીઓને વધુ સમય ન બગાડવો પડે તે માટે તંત્ર દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહી છે.