સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે અડાજણના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૭૭.૦૮ કરોડના ખર્ચે નવનિર્મિત EWS-૫૪ (સુમન આદર્શ) અને EWS-૫૧ (સુમન નુપુર)ના ૭૪૪ આવાસો પૈકી ૩૯૦ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજાયો હતો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ડ્રો માં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે, ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે પીએમ આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સૌ જરૂરિયાતમંદ નાગરિકોને PM આવાસ યોજના અંતર્ગત જ્ઞાતિ-જાતિના ભેદ વિના પારદર્શક રીતે ઘરનું ઘર મળે એ કેન્દ્ર-રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાનું ધ્યેય રહ્યું છે. હાલ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો માં જેમણે આવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનથી વંચિત નહિ રહે અને આગામી સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને પીએમ આવાસ યોજના થકી પાકું ઘર મળી રહેશે એવો શ્રી પાટીલે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
એક સમયે સુરતમાં ૨૮ ટકાથી વધુ સ્લમ (ઝૂંપડપટ્ટી) વિસ્તાર હતો, જે ઘટીને હાલ માત્ર ૭.૫૦ ટકા થયો છે, ત્યારે આપણા સૌના સહિયારા પ્રયાસોથી આગામી સમયમાં સુરત શહેર ઝીરો સ્લમ સિટી બનશે. એમ જણાવતા મનપા દ્વારા ઝીરો સ્લમ તરફની આગેકૂચ કરવા સાથે ઝૂંપડપટ્ટીમુક્ત સુરતના નિર્માણનું આ મોડેલ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ નીવડશે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કરવામાં સુરત રાજ્યભરમાં મોખરે
મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યુ હતું કે, જેમ જેમ સુરત વિકાસની તેજ ગતિ સાથે ઝડપી વિસ્તરીત થઈ રહ્યું છે, તેમ રાજય- કેન્દ્ર સરકાર અને સુરત મનપા સાથે મળીને વધુને વધુ આવાસીય સુવિધાઓ, ઈન્ફાસ્ટ્રકચર સહિત જનસુખાકારીની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. પીએમ આવાસ યોજનાએ લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કરવામાં સુરત રાજ્યભરમાં મોખરે છે. વિશ્વ ફલક પર ડાયમંડ અને ટેક્સટાઈલક્ષેત્રે જાણીતુ સુરત સ્વચ્છતાથી લઈ ઝીરો સ્લમ તરફ તેજગતિથી આગળ વધી રહ્યું છે, ઝીરો સ્લમ કોન્સેપ્ટના પાયામાં પીએમ આવાસ યોજનાએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે.
૨૨,૯૪૭ આવાસોની ફાળવણી લાભાર્થીઓને કરવામાં આવી
PMAY-AHP યોજના અંતર્ગત સુરત શહેરમાં અત્યાર સુધી રૂ.૨૦૮૭.૧૫ કરોડના ખર્ચે ૫૭ સ્થળોએ કુલ રૂ. ૨૯,૮૭૬ આવાસ મંજુર કરવામાં આવ્યા છે. જેમાં ઉકત મંજુર આવાસો પૈકી ૨૭,૬૮૮ આવાસોની રૂ.૧૮૯૬.૫૬ કરોડના ખર્ચે ૫૪ સ્થળે કામગીરી પુર્ણ કરવામાં આવી છે. તેમજ મંજુર આવાસો પૈકી ૨૧૮૮ આવાસોની રૂ.૧૯૦.૫૯ કરોડના ખર્ચે ૦૩ (ત્રણ) જગ્યાઓએ કામગીરી પ્રગતિ હેઠળ છે. અત્યાર સુધીમાં ૨૫,૪૪૪ આવાસોના કોમ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્યા છે, જે પૈકી ૨૨,૯૪૭ આવાસોની ફાળવણી લાભાર્થીઓને કરવામાં આવી છે.
પારદર્શી ડ્રો થકી ૩૯૦ આવાસોના લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર
અડાજણ ફાયર સ્ટેશનની બાજુમાં, ઈન્કમટેક્ષ-ઓફિસની પાછળ EWS-૫૪ સુમન આદર્શ ટી.પી.નં ૧૦ (અડાજણ), ફા.પ્લોટ નં. ૧૭ ખાતે રૂ. ૪૭.૫૬ કરોડાના ખર્ચે સાકારિત થયેલ કુલ ૪૦૮ આવાસો પૈકી ૩૨૭ આવાસોનું કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. જ્યારે રિજન્ટ પ્લાઝાની બાજુમાં ડીંડોલી ગામ રોડ, ડીંડોલી ખાતે EWS-૫૧ સુમન નુપુર ટી.પી.નં. ૬૨ (ડીંડોલી-ભેસ્તાન-ભેદવાડ), ફા.પ્લોટ નં. ૧૭૩ ખાતે રૂ. ૨૯.૫૨ કરોડના ખર્ચે સાકારિત થયેલ ૩૩૬ આવાસો પૈકી ૬૩ આવાસો મળીને કુલ ૭૭.૦૮ કરોડના ખર્ચે કુલ ૭૪૪ આવાસો પૈકી આજે ૩૯૦ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. આમ, પારદર્શી ડ્રો થકી ૩૯૦ આવાસોના લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યું છે.