સુરત જિલ્લાના ૬૨ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ૧૭ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીમાં ૯૫,૫૬૭ મતદારોએ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
સુરત જિલ્લામાં અંદાજિત ૭૭.૩૭ ટકા મતદાન: ૧૩૧ મતદાન મથકોમાં જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બેલેટ પેપરથી મતદાન સંપન્ન થયું

સુરત: સુરત જિલ્લાના ૦૯ તાલુકામાં કુલ ૬૨ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ૧૭ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીમાં ૯૫,૫૬૭ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની ફરજ નિભાવી હતી. સુરત જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૫માં અંદાજિત ૭૭.૩૭ ટકા મતદાન નોંધાયું છે. સુરત જિલ્લાના ૧૩૧ મતદાન મથકોમાં વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ મતદારોએ ઉત્સાહથી મતદાન કર્યું હતું.
જિલ્લાના નવ તાલુકાઓની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીમાં સરપંચ અને સભ્યો માટેની આ ચૂંટણીમાં ગ્રામ્ય મતદારો હવે પોતાના મતાધિકારનું મહત્વ સમજીને સક્રિય ભૂમિકા ભજવવા વહેલી સવારના ૭.૦૦ વાગ્યાથી જ મતદાન મથકો પર ઉમટયા હતા.
સુરત જિલ્લાના નવ તાલુકામાં સામાન્ય ચૂંટણી માટે કુલ ૧,૨૩,૬૫૨ મતદારો; જેમાં ૬૦,૯૪૬ પુરુષ અને ૬૨,૭૦૬ સ્ત્રી મતદારો નોંધાયા હતા, જે પૈકી કુલ ૯૫,૫૬૭ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૪૬,૮૩૦ પુરુષ મતદાર અને ૪૮,૭૩૭ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કૂલ ૩૨,૨૩૦ મતદારો નોંધાયા હતા. જેમાં ૧૬,૨૨૮ પુરુષ મતદારો અને ૧૬,૦૦૨ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જે પૈકી કુલ ૧૯,૫૧૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૯,૯૫૪ પુરુષ મતદારો અને ૯,૫૬૦ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. આ પેટા ચૂંટણીમાં અંદાજિત સરેરાશ ૬૦.૫૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધીના માર્ગદર્શનમાં ૩૦ ચૂંટણી અધિકારીઓ, ૩૦ મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ૭૯૨થી વધુ પોલિંગ સ્ટાફ અને ૨૬૬ થી વધુ પોલીસ સ્ટાફે ફરજ નિભાવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકો ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લે તેવા સઘન પ્રયાસો કરાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.